ગુજરાત નું સાહિત્ય અને કલાકૃતિ ક્ષેત્રે ઉમદા વ્યક્તિત્વ એટલે પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત શ્રી જોરાવરસિંહ જાદવ ગિરિરાજસિંહ ચૌહાણ એડિટર ચીફ અવાજ ન્યૂઝ
જોરાવરસિંહ દાનુભાઈ જાદવ ગુજરાતના વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારક છે. તેમણે લોકસંસ્કૃતિ, લોકકલા અને લોકસાહિત્ય પર આધારિત ૯૦ જેટલી કૃતિઓનું સંપાદન અને રચના કરી છે.[૧]

જોરાવરસિંહ જાદવનો જન્મ ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ના રોજ ધંધુકા તાલુકાના આકરુ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ દાનુભાઈ હલુંભાઈ અને માતાનું નામ પામબા હતું. જેઓ વ્યવસાયે ખેડૂત હતા. જોરાવરસિંહ છ ભાઈ-બહેનોમાં બીજા ક્રમના બાળક હતા. તેમનું બાળપણ આકરું ગામમાં વીત્યું અને તેમનો ઉછેર તેમની સાવકી માતા ગંગાબાએ કર્યો. જોરાવરસિંહને બાળપણમાં લોકસાહિત્ય અને લોકકલાઓનો ઊંડો અનુભવ પ્રાપ્ત થયો હતો.
જોરાવરસિંહે ૧ થી ૪ ધોરણનું પ્રાથમિક શિક્ષણ આકરુમાં લીધા બાદ ધોરણ ૫ થી ૯ સુધીનું શિક્ષણ ધોળકામાં શેઠ હસનઅલી હાઈસ્કૂલમાં પ્રાપ્ત કર્યું. ત્યારબાદ ઉચ્ચશિક્ષણ ગુજરાત વિદ્યાપીઠમાંથી મેળવ્યું હતું. તેઓ ઇ.સ .૧૯૬૧માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી અને ઇતિહાસ વિષય સાથે સ્નાતક થયા. ત્યારબાદ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષય સાથે અનુસ્નાતક થયા. આ અભ્યાસના કારણે તેમની લોકસાહિત્ય અને લોકકલા પ્રત્યે વધારે રુચિ પ્રગટી. ત્યારબાદ તેઓ ગુજરાત રાજ્ય સરકારી સંઘમાં પ્રકાશક તરીકે જોડાયા.
જોરાવરસિંહે ગ્રામજીવનને અનુલક્ષીને વાર્તાઓ લખી. જેમાં તેમની ખ્યાતનામ વાર્તાઓમાં મરદ કસુંબલ રંગ ચડે, મરદાઈ માથા સાટે, લોકસાહિત્યની ચતુરાઈ કથાઓ અને રાજપૂત કથાઓ નો સમાવેશ થાય છે. તેમણે ભાતીગળ લોકકથાઓ અને મનોરંજક કથામાળા નામના બાળવાર્તાઓના પુસ્તકો પણ લખ્યાં. આ ઉપરાંત તેમણે સંદર્ભસાહિત્યની પણ રચના કરી જેમાં આપણા કસબીઓ, લોકજીવનના મોભ (૧૯૭૫), ગુજરાતની લોકસંસ્કૃતિ લોકસંસ્કૃતિમાં પશુઓ અને પ્રાચીન ભારતનાં શસ્ત્રાસ્ત્રો નો સમાવેશ થાય છે. ત્યારબાદ સજે ધરતી શણગાર, લોકસાહિત્યની નાગકથાઓ જેવા લોકસાહિત્ય સંપાદનના ગ્રંથોની પણ રચના કરી.
તેમને મેઘાણી સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક ,ગુજરાત સરકારનું પારિતોષિક, એન.સી.ઈ. આર. ટી. નું પ્રથમ પારિતોષિક, ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર અને ૨૦૧૯ માં પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા .